(રસાસ્વાદઃ શ્રી રમેશભાઈ પરીખ, મહેસાણા)
શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી,
હૃદય-પુલિન અંતઃ બંસીબટ;
રોમ કદંબ કી છાઁહી. (૧)
અનન્યતા અંબર, ભાવ-ભૂષણ,
વિપ્રયોગ કી ગલબાંહી;
સર્વાત્મ કી શિશ બેની સોહે,
પ્રતિબિંબિત દીનતા દર્પણ માંહી. (૨)
મત્તમયૂર નાચે મન મધુર,
દેખી રૂપ ભર્યો ઠાંહી;
લે ચલ સખીરી વે વૃંદાવન,
શ્રીવલ્લભચરણ સરોવર જાઁહી. (૩)
“વલ્લભ” એટલે વહાલા. “શ્રી”ના તો અનેક અર્થ. શ્રીસ્વામિનીજી, વ્રજભક્તો, શ્રીઠાકોરજી – એ સૌના વહાલા તે શ્રીવલ્લભ. તેથી શ્રીછીતસ્વામીજીએ ગાયું-
“ગોવલ્લભ, શ્રીગોવર્ધન-વલ્લભ, શ્રીવલ્લભ ગુન ગિને ન જાઈ.”
આવા શ્રીવલ્લભને વ્રજવાસ પ્રિય છે. “પ્રિયવ્રજસ્થિતિઃ”. તેમાંય શ્રીગિરિગોવર્ધન વિશેષ પ્રિય છે. “ગોવર્ધનસ્થિત્યુત્સાહસ્તલીલાપ્રેમપૂરિતઃ” ત્યાં વૃંદાવનવાસ તો સૌથી વધુ પ્રિય છે. “વૃંદાવનપ્રિયઃ” કારણ કે ત્યાં જ અખંડ રાસની “નિત્ય નૌતન નિત્ય લીલા” છે. શ્રીસ્વામિની-સ્વરૂપે આપ તે લીલામાં વિહરે છે અને આચાર્યસ્વરૂપે આપનું અંતઃકરણ તે લીલામાં વિલસે છે.
શ્રીવલ્લભના આવા દિવ્ય સ્વરૂપનો અનુભવ જે બડભાગી ભક્તોને થયો, તેમણે ભાવવિભોર બનીને ગાયું- “શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી.” શ્રીવલ્લભ રાસમંડલમાં શોભી રહ્યા છે.
પુષ્ટિજીવોનો મોક્ષ-ઉદ્ધાર એટલે પ્રભુની અલૌકિક રાસલીલાની પ્રાપ્તિ. “આપ સેવા કરી શીખવે શ્રીહરિ.” એ રીતે “આચરતિ આચરયતિ ચ ઇતિ આચાર્યઃ”. જે આચરણ દ્વારા ઉપદેશ આપે તે આચાર્ય. આચરણ અને ઉપદેશ એક જ હોય તે આચાર્ય. શ્રીવલ્લભ આવા “આચાર્ય” છે; તેથી આપે પોતાના આચરણ દ્વારા આપણને – પુષ્ટિજીવોને અલૌકિક રાસમંડલની પ્રાપ્તિના દિવ્ય માર્ગનો ઉપદેશ આપ્યો છે.
“હૃદયપુલિન” – આપનું હૃદય પુલિન એટલે યમુનાતટ છે. “અંતઃ બંસીબટ” – અંતઃકરણ બંસીબટ છે. “રોમ કદંબ કી છાઁહી” – આપના રોમ રોમ કદંબની વૃક્ષાવલી છે. આપનું બાહ્ય અને ભીતર શ્રીઅંગ પ્રભુ પ્રેમથી ભર્યું ભર્યું, શ્યામના સુખ માટે શ્યામને સમર્પિત છે.
“અનન્યતા અંબર” – આપે દૃઢ અનન્યતા રૂપી વસ્ત્ર ધર્યાં છે. વસ્ત્રથી શરીરની મર્યાદા સચવાય, તેમ અનન્યતાથી ભક્તિ સચવાય. “ભાવ-ભૂષણ” – ભગવદ્ ભાવરૂપી આભૂષણથી આપ શોભે છે. “વિપ્રયોગ કી ગલબાઁહી” – આપે વિપ્રોગને આલિંગન આપ્યું છે, અર્થાત્ સદા પ્રભુના વિપ્રયોગમાં આપ ડૂબેલા રહે છે. “સર્વાત્મ કી શીશ બેની સોહે” – સર્વાત્મભાવ – ભક્તિની સર્વોપરિ વ્યસન-અવસ્થા, તે જાણે આપના મસ્તકની કેશ રાશિ છે. પ્રભુમાં આપનો પૂર્ણ નિરોધ છે. “પ્રતિબિંબિત દીનતા દર્પણ માંહી” – આપની દીનતા આપના જીવનરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે.
આ સર્વને લઈને આપનો મનમયૂર પ્રભુમાં રસમસ્ત બની નાચે છે. મધુરાધિપતિના અંગ અંગમાં ઠાંસી ઠાંસીને ભરેલા રૂપને નીરખી એ મનમયૂર નૃત્ય કરે છે.
હે સખી, જ્યાં આવા આપણા અલૌકિક આચાર્યચરણનાં ચરણારવિંદરૂપી ચંદ્રસરોવર બિરાજે છે, ત્યાં તું મને લઈ જા. આપની કૃપાથી આપની આજ્ઞાના પાલનથી-આપણને પુષ્ટિમોક્ષ (રાસલીલાની દિવ્ય પ્રાપ્તિ) મળશે.