Vaishnav Parivar Nidhi Fund

વૈષ્ણવ પરિવાર નિધિફંડ યોજના

વૈષ્ણવ પરિવાર નિધિફંડ યોજના ૧૯૯૭ ના એપ્રિલ માસથી જરૂરિયાતમંદ વૈષ્ણવોને આર્થિક રીતે મદદરૂપ થવાની ભાવનાથી શરૂ કરવામાં આવી. તે સમયે શ્રી રમેશભાઈનો મનોરથ આ ફંડમાં રૂા. એક કરોડ એકત્ર કરવાનો હતો. તેમણે વૈષ્ણવોને અપીલ કરી કે આ ફંડમાં યથાશક્તિ રકમ સત્વરે અને સતત મોકલતા રહે. બહેનોને તેમણે અપીલ કરી કે દર વર્ષે એક સાડી ઓછી ખરીદી તે રકમ આ ફંડમાં આપે. ભાઈઓ એક પેન્ટ દર વર્ષે ઓછું ખરીદી તે રકમ આ ફંડમાં આપે. ઘરે આવતા શુભ પ્રસંગોએ આ ફંડને યાદ કરે. શુભ પ્રસંગના બજેટમાંથી બચાવી રૂા. એક હજાર આ ફંડમાં આપે. આપણા સંપ્રદાયના જે વૈષ્ણવો કુટુંબો આર્થિક રીતે મુશ્કેલી-મૂંઝવણ અનુભવે છે, જેમના માટે સહાય મેળવવાની કોઈ જગ્યા નથી, તેમને તબીબી સારવાર, સંતાનોના અભ્યાસ અથવા ભરણપોષણ માટે જરૂરી સહાય કરી, કંઈક અંશે તેમને મદદરૂપ થઈ શકાય તે હેતુથી શરૂ થયેલી આ યોજનામાં વૈષ્ણવોએ તરત જ રકમ મોકલવા માંડી. દર વર્ષે મળેલી રકમ આ પ્રમાણે છે.

વર્ષ  
જમા થયેલ રકમ  
વ્યાજની રકમ લાભાર્થી પરિવારની સંખ્યા મદદની રકમ
૧૯૯૭-૯૮ રૂા. ૮,૦૦,૦૦૦/- રૂા. ૨૯,૨૨૨/- ૧૯ રૂા. ૨૯,૨૩૦/-
૧૯૯૮-૯૯   રૂા. ૧૦,૦૦,૦૦૦/- રૂા. ૧,૮૯,૦૭૪/- ૬૫ રૂા. ૧,૮૯,૦૦૦/-
૯૯-૨૦૦૦ રૂા. ૭,૦૦,૦૦૦/- રૂા. ,૩૭,૩૮૩/- ૧૩૪ રૂા. ૨,૩૭,૦૦૦/-
૨૦૦૦-૦૧ રૂા. ૭,૦૦,૦૦૦/- રૂા. ૩,૧૧,૫૦૧/- ૧૮૯ રૂા. ૩,૧૧,૦૦૦/-
૨૦૦૧-૦૨ રૂા. ૫,૬૫,૫૩૩/- રૂા. ૩,૨૭,૮૨૪/- ૨૫૧ રૂા. ૩,૧૪,૫૦૦/-
૨૦૦૨-૦૩ રૂા. ૧૨,૮૬,૩૧૦/- રૂા. ૩,૯૩,૨૯૩/- ૨૭૬ રૂા. ૩,૯૩,૦૦૦/-
૨૦૦૩-૦૪ રૂા. ૯,૭૩,૫૨૨/- રૂા. ૪,૧૭,૦૦૦/- ૩૦૬ રૂા. ૪,૧૬,૦૦૦/-
૨૦૦૪-૦૫ રૂા. ૪,૪૪,૩૫૦/- રૂા. ૭,૩૧,૩૧૭/- ૩૯૮ રૂા. ૭,૬૩,૨૦૦/-
૨૦૦૫-૦૬ રૂા. ૬,૧૧,૬૯૫/- રૂા. ૩,૯૦,૨૮૩/- ૨૬૯ રૂા. ૪,૮૯,૬૦૨/-
૨૦૦૬-૦૭ રૂા. ૪,૫૯,૫૧૨/- રૂા. ૪,૮૬,૯૪૮/- ૩૦૪ રૂા. ૪,૮૭,૦૯૯/-
૨૦૦૭-૦૮ રૂા. ૫,૬૦,૭૨૪/- રૂા. ૫,૮૬,૫૨૯/- ૩૧૬ રૂા. ૫,૪૮,૪૦૦/-

આમ આ ફંડ આજે અગિયાર વર્ષ પછી એક કરોડના લક્ષ્યાંક સામે એંશી લાખ ઉપર પહોંચ્યું છે. આ બધી રકમ રાષ્ટ્રીયકૃત બેંકમાં ફીક્સ ડિપોઝીટ તરીકે મૂકવામાં આવી છે. દર વર્ષે તેમાં રકમ વધતી જાય છે. તેના વ્યાજની આવક વધતી જાય છે, તેમ તેમ લાભાર્થીઓની સંખ્યા પણ વધતી જાય છે. શરૂઆતમાં રકમ ઓછી હતી પરંતુ વ્યાજનો દર વધારે હોવાથી અને લાભાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી વધારે મદદ આપી શકાતી હતી, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે. વ્યાજનો દર ઘટતો જાય છે. મોંઘવારી-બેકારી વધતાં લાભાર્થીઓની સંખ્યા વધતી જાય છે, તેથી વ્યાજની રકમ પૂરતી થતી નથી. માર્ચ મહિનામાં આવેલ સર્વ વ્યાજની રકમની ચૂકવણી થઈ ગયા પછી પણ સતત માગણી ચાલુ રહેતાં વર્ષભર વધારાની રૂા. એક લાખ થી બે લાખ સુધીની રકમ દર વર્ષે આપવામાં આવે છે. છતાં પણ અનેક વૈષ્ણવોની માગણી સંતોષાઈ શકાતી નથી, તેમજ તેમની જરૂરિયાત કરતાં ઘણી ઓછી રકમ અપાય છે.

હાલમાં મેડીકલ, એન્જિનીયર, ફાર્મસી જેવાં ક્ષેત્રોમાં ફીનું ધોરણ ઘણું ઊંચુ છે. એ ક્ષેત્રના વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાતું નથી. એ માટે ફંડ એકત્ર કરી તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે રકમ આપવાની જરૂર જણાય છે. મેડિકલ ક્ષેત્ર પણ ઘણું મોઘું થતું જાય છે. તબીબી સારવાર માટે અપાતી રકમમાં પણ ઘણો ઉમેરો કરવો પડે તેવી પરિસ્થિતિ છે.

આ સંજોગોમાં આ નિધિફંડને તેના એક કરોડના લક્ષ્યાંકથી પણ ઉપર લઈ જવાની જરૂર જણાય છે. વૈષ્ણવોને તે માટે અપીલ કરવામાં આવે છે કે આપ આ ફંડમાં યથાશક્તિ રકમ મોકલી જરૂરિયાતમંદ વૈષ્ણવોના અંતરના આશીર્વાદ મેળવતા રહેશો. ઘરમાં આવતા શુભ પ્રસંગોએ આ ફંડને જરૂરથી યાદ કરશો. આપની દૈવી સંપત્તિનો ઉપયોગ વૈષ્ણવસેવાના આ કાર્ય માટે કરતા રહી તેને સાર્થક કરશો.