Shri Punamchand Sankalchand Doshi Vrajbhoomi Rainbasera

શ્રી પૂનમચંદ સાંકળચંદ દોશી વ્રજભૂમિ રૈનબસેરા, અમદાવાદ

વૈષ્ણવસેવાના ધ્યેયને વરેલા શ્રી હરસાનીજી પ. ચે. ટ્રસ્ટ દ્વારા શ્રી હરિગુરુવૈષ્ણવની કૃપાથી અમદાવાદમાં પ. ભ. શ્રી પૂનમચંદ સાંકળચંદ દોશી વ્રજભૂમિ રૈનબસેરા (વૈષ્ણવ અતિથિગૃહ)ની સ્થાપના કરવામાં આવી છે.

બહારગામથી અમદાવાદમાં ખરીદી માટે, તબીબી સારવાર માટે કે યાત્રા સ્થળે જવા ટ્રેઈન કે બસ પકડવા માટે વૈષ્ણવોને આવવાનું થાય ત્યારે ટૂંકા ગાળાના મુકામની આવશ્યકતા રહે છે. આ જરૂરિયાત પૂરી પાડવાના હેતુથી રેલ્વેસ્ટેશન અને બસ સ્ટેન્ડથી નજીકના ખાડિયા વિસ્તારમાં મેઈન રોડ ઉપર આવેલી સેવકાની વાડી નામની શેરીમાં એક ચાર માળનું મકાન ખરીદી, તેમાં આવશ્યક આધુનિક સગવડો ઉભી કરી તેનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. અહીં બહારગામના વૈષ્ણવો માટે ટૂંકાગાળાની મુકામની વ્યવસ્થા નહિ નફો  નહિ નુકશાનને ધોરણે કરવામાં આવી છે. મુકામની સાથે ચાનાસ્તો તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા પણ વિચારાઈ છે.

આ વૈષ્ણવ અતિથિગૃહની સ્થાપનાનો મનોરથ વૈષ્ણવો સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે અનેક વૈષ્ણવો તરફથી આ સેવા શરૂ કરવામાં ટ્રસ્ટને દરેક રીતે સહાયભૂત થવા તૈયારી બતાવવામાં આવી હતી. મોડાસાના પ. ભ. શ્રી જગમોહનભાઈ દોશી તરફથી આ મનોરથના મુખ્ય મનોરથી બનવાની ભાવના સાથે ટ્રસ્ટને રૂા. પાંચ લાખનું માતબર દાન આપવામાં આવ્યું. શ્રી જગમોહનભાઈની વૈષ્ણવ સેવાની તત્પરતાની ઉચ્ચત્તમ ભાવના જાણી, તેમના પૂજ્ય ભગવદીય પિતાશ્રી શ્રી પૂનમચંદ સાંકળચંદ દોશી, મોડાસાના સ્મરણાર્થે અપાયેલ આ દાનની રકમનો સ્વીકાર કરી, વૈષ્ણવો માટેની આ સંસ્થા એક તાદ્રશી ભગવદીયના નામે શરૂ થઈ તેનો આનંદ છે.

ત્યારપછી અનેક વૈષ્ણવો તરફથી ઉદાર હાથે આ સંસ્થા માટે દાન મળ્યું. ફ્રીજ, ગેસ, ગેસગીઝર, એક્વાગાર્ડ, વાસણો વગેરે ચીજવસ્તુઓ પણ આ સંસ્થા માટે મળી.

વૈષ્ણવોના સહકારથી તૈયાર થયેલ આ સંસ્થાનું નવનિર્માણ કાર્ય પૂર્ણ થતાં તા. ૨૬-૧૧-૦૭ ને સોમવારના રોજ તેનો કળશસ્થાપન વિધિટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મનોરથી વૈષ્ણવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા સર્વ વિધિ સંપન્ન કરવામાં આવી.

બપોર બાદ પૂ. ગો. ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદયશ્રીના વરદ હસ્તે સંસ્થાના મકાનમાં દીપપ્રાકટ્ય અને સંસ્થાના મુખ્ય મનોરથી શ્રી જગમોહનભાઈ દોશીના પિતાશ્રી પ. ભ. શ્રી પૂનમચંદ સાંકળચંદ દોશીના ચિત્રની અનાવરણ વિધિ સંપન્ન થઈ.

આપશ્રીની ઉપસ્થિતિમાં શ્રીઅષ્ટછાપ કીર્તન સંગીત વિદ્યાપીઠનાં શ્રી ગોપીબહેન અને બહેનો દ્વારા વધાઈ ગાનનો કાર્યક્રમ રજૂ થયો.

પૂ. ગો. શ્રી કુંજેશકુમારજી મહોદયશ્રીએ મનોરથી વૈષ્ણવોને પ્રસાદી ઉપરણા દ્વારા આશીર્વાદ પ્રદાન કર્યા અને વૈષ્ણવસેવા માટે આવી સંસ્થાની સ્થાપના માટે ટ્રસ્ટના ટ્રસ્ટીઓને અને મનોરથી વૈષ્ણવોને ધન્યવાદ આપ્યા.

આ સંસ્થાનો ઉદ્ઘાટન સમારંભ તા. ૨-૧૨-૦૭ ના રોજ સાંજે ૪-૦૦ કલાકે શ્રીવલ્લભસદનમાં પૂ. ગો. ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહોદયશ્રીના વરદહસ્તે યોજાયો. આ પ્રસંગે સર્વ મનોરથી મહાનુભાવોનું આપશ્રીના વરદ હસ્તે સન્માન થયું. ત્યારબાદ વૈષ્ણવોના મુકામ માટે આ સંસ્થા ખુલ્લી મૂકવામાં આવી.

આ સંસ્થાના મકાનમાં શ્રી હરસાનીજી પ. ચે. ટ્રસ્ટની અમદાવાદ ખાતેની ઓફિસ(કાર્યાલય)ની શુભ શરૂઆત થઈ છે. અમદાવાદના વૈષ્ણવો અને બહારગામથી અમદાવાદ આવનારા વૈષ્ણવોનેઅહીંથી પુસ્તકો ખરીદવાની, ભેટસેવા નોંધાવવાની અને બંને માસિકોના લવાજમ ભરવાની સુવિધા મળી રહે છે.

આ મનોરથના સર્વ મનોરથી વૈષ્ણવો પ્રત્યે, તેમની ઉદાર હૃદયની અને પ્રેમભરેલી દ્રવ્યસહાય માટે આભાર અને ધન્યવાદની લાગણી અનુભવું છું. વૈષ્ણવોને આ સંસ્થાનો જરૂર પડે ઉપયોગ કરવા માટે આમંત્રણ છે.

શ્રી પૂનમચંદ સાં. દોશી વ્રજભૂમિ રૈનબસેરા,

સેવકાની વાડી, રાયપુર-ખાડીયા રોડ, ખાડીયા, અમદાવાદ. ફોનઃ (૦૭૯) ૨૨૧૬૨૧૮૩