Shri Harsaniji Bal-Yuva Sanman Paritoshik Spardha

શ્રી હરસાનીજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને બાલપુષ્ટિ તરફથી આયોજિત

શ્રી હરસાનીજી બાલયુવા સન્માન પારિતોષિક સ્પર્ધાઓ

શ્રીહરસાનીજી પ. ચે. ટ્રસ્ટ તરફથી દર વર્ષે વૈષ્ણવ પરિવારઅને બાલપુષ્ટિની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. તે પ્રસંગે સંપ્રદાયના એક વિદ્વાન મહાનુભાવ, એક સાહિત્યકાર, એક કીર્તનકાર, એક કલાકાર અને એક કાર્યકર્તાને શ્રીહરસાનીજી ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ફેબ્રુઆરી-૨૦૦૧માં યોજાયેલ આવા એક સમારંભમાં બાલપુષ્ટિની વર્ષગાંઠ પ્રસંગે એક નાનકડી બાલિકાએ અંગ્રેજીમાં સુંદર વક્તવ્ય આપ્યું. આ વક્તવ્ય શ્રવણ કરીને સમારંભના અધ્યક્ષ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ઈન્દિરાબેટીજી મહોદયાએ આજ્ઞા કરીઃ તમે મોટાંઓને ઍવોર્ડ આપો, તેવો આ બાળકોને પણ આપો તો તેમને કેટલો આનંદ થાય?’

સમારંભમાં ઉપસ્થિત બે બહેનો શ્રીમતી કુસુમબેન અરુજીસ અને શ્રી બકુલાબેન પટેલે ઉત્સાહભેર પોતાનો મનોરથ વ્યક્ત કરતાં કહ્યું, જો બાળકોને ઍવોર્ડ આપવાની શરૂઆત કરો તો તેના મનોરથી બનવાની સેવા અમે કરીશું. પૂ. શ્રીજીજીની આજ્ઞા થઈ છે તો તમે ઍવોર્ડની શરૂઆત કરો.

ઍવોર્ડ જ્યારે મહાનુભાવોને અપાય ત્યારે તેમનું કંઈક યોગદાન સંપ્રદાયને મળેલું હોય, તે યોગદાનને કારણે ઍવોર્ડ માટે નામ નક્કી થાય. પરંતુ નાનાં બાળકોએ ક્યાં યોગદાન આપ્યું હોય? તેમને કેવી રીતે ઍવોર્ડ આપવા તે પ્રશ્ન હતો. પ્રભુકૃપાથી એવો વિચાર આવ્યો કે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવું. સ્પર્ધાઓમાં વિજેતા બને તેમને ઍવોર્ડ તો નહિ પણ પારિતોષિક આપવાં, જેથી એ રકમના ઉપયોગથી તેઓ પોતાના રસના વિષયમાં વધુ જ્ઞાનોપાર્જન કરી શકે.

પૂ. શ્રીજીજીએ બાળકો માટે સ્પર્ધાઓ યોજવાના આ વિચારને આનંદપૂર્વક સંમતિ, આશીર્વાદ અને માર્ગદર્શન આપ્યાં. શ્રીમતી કુસુમબેન અરુજીસ અને બકુલાબેને તે માટે જરૂરી રકમ મોકલી આપી. એ રકમ બેન્કમાં ફીક્સ ડિપોઝીટ તરીકે મૂકી, તેના વ્યાજમાંથી દર વર્ષે વિજેતા સ્પર્ધકોને ઈનામો આપવાં તેવું નક્કી થયું.

પહેલા વર્ષે તા.૧૬-૧૨-૨૦૦૧ના રોજ મહેસાણામાં પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીના અધ્યક્ષપદે અને પૂ. શ્રી વ્રજેશકુમાર શાસ્ત્રીજી, શ્રી વિઠ્ઠલદાસભાઈ બાપોદરાજી તેમજ શ્રી જયંતીભાઈ પટેલના અતિથિવિશેષ પદે બે સ્પર્ધાઓનું આયોજન ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં થયું. સૌએ આ સ્પર્ધાઓની શરૂઆતને સમયસરની પ્રવૃત્તિ ગણી બીરદાવી, આશીર્વાદ આપ્યા. કીર્તનસ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રીમનહરભાઈ બાપોદરા અને શ્રીમતી ચારૂબેન રેશમવાલાએ સુંદર સેવા આપી. સ્પર્ધાઓના આયોજન અને વ્યવસ્થાની સર્વ જવાબદારી ઇનરવ્હીલ ક્લબની બહેનોએ ઉપાડી લીધી. પહેલા વર્ષે પુષ્ટિમાર્ગીય ક્વીઝમાં ૫૨ બાળકોએ અને કીર્તનસ્પર્ધામાં ૨૮ બાળકોએ ભાગ લીધો.

બીજા વર્ષે અમદાવાદમાં શ્રીજયંતીભાઈ પટેલના આમંત્રણથી રાંચરડા ગુરુકુળમાં આ સ્પર્ધાઓ પૂ. પા. ગો. ૧૦૮ શ્રીચંદ્રગોપાલજી મહારાજશ્રીના અધ્યક્ષપદે યોજાઈ. આ વર્ષે બે સ્પર્ધા ઉપરાંત ચિત્રસ્પર્ધાનું પણ આયોજન થયું. શ્રીજયંતીભાઈ અને શ્રીમતી રેખાબેન તથા શ્રી ભરતભાઈ અને શ્રીમતી સેજલબેને ખૂબ પ્રેમપૂર્વક બાલસ્પર્ધકો માટે કરેલી અદ્ભુત વ્યવસ્થા અને આયોજનથી તથા ગુરુકુળના પ્રકૃતિના સુંદર રમ્ય વાતાવરણથી વૈષ્ણવો ખૂબ પ્રભાવિત થયા.

ત્રીજા વર્ષે અમદાવાદમાં લાયન્સ હોલમાં તા.૧૪-૧૨-૨૦૦૩ના રોજ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાના અધ્યક્ષપદે, ચોથા વર્ષે અમદાવાદમાં શ્રીવલ્લભસદનમાં પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી (કડી-અમદાવાદ), પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ચીમનલાલજી મહારાજશ્રી (ગોકુળ) તથા પૂ. પા. ગો. ૧૦૮ શ્રી શ્યામમનોહરજી મહારાજશ્રી (પોરબંદર)ની અધ્યક્ષતામાં તા.૫-૧૨-૨૦૦૪ના રોજ આ સ્પર્ધાઓ આયોજિત થઈ. પાંચમા વર્ષે વડોદરામાં સુખધામ શ્રીદ્વારકાધીશ મંદિરમાં પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી (કાંકરોલી-વડોદરા) અને પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહોદયશ્રીના અધ્યક્ષપદે, છઠ્ઠા વર્ષે અમદાવાદમાં શ્રીવલ્લભસદનમાં પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા અને પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહોદયશ્રીના અધ્યક્ષપદે તા.૩૧-૧૨-૨૦૦૬ના રોજ યોજાઈ. સાતમા વર્ષે અમદાવાદમાં શ્રીવલ્લભસદનમાં તા.૨૧-૨-૨૦૦૭ના રોજ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહોદયશ્રી અને પૂ. પા. ગો. ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદયશ્રીનાં અધ્યક્ષપદે તેમજ આઠમા વર્ષે અમદાવાદમાં શ્રીવલ્લભસદનમાં તા. ૮-૧૨-૨૦૦૮ના રોજ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા તેમજ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહોદયશ્રીના અધ્યક્ષપદે યોજાઈ.
આ સ્પર્ધાઓએ પુષ્ટિસૃષ્ટિમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. દર વર્ષે તેમાં ભાગ લેનારની સંખ્યા વધતી જાય છે. પાઠશાળાનાં બાળકો વર્ષભર આ સ્પર્ધાઓ માટે તૈયારી કરે છે. સ્પર્ધાઓની સંખ્યા પણ વધતી જાય છે. પહેલા વર્ષે બે સ્પર્ધાઓ યોજાઈ. બીજા વર્ષે ત્રણ અને ચોથા વર્ષે ચાર સ્પર્ધાઓ યોજાઈ. ચોથી સ્પર્ધા અંગ્રેજી વક્તૃત્વ સ્પર્ધાના મનોરથી બન્યા શ્રી લાલજીભાઈ દાવડા અને શ્રીમતી સ્નેહલતાબેન દાવડા. પાંચમા વર્ષે પણ ચાર સ્પર્ધાઓ યોજાઈ. છઠ્ઠા વર્ષે સ્પર્ધકો માટે સ્પર્ધામાં ભાગ લેવાની વયમાં વધારો કરી ૨૧ ને બદલે ૨૫ વર્ષ સુધીનાં યુવાનો માટે સ્પર્ધાઓમાં ભાગ લેવાની છૂટ અપાઈ તેમજ પુષ્ટિમાર્ગીય ક્વીઝમાં ૨૫ વર્ષ ઉપરના વૈષ્ણવો માટે ત્રીજો વિભાગ શરૂ કરવામાં આવ્યો. હવે સ્પર્ધા કુલ ૮ વિભાગમાં યોજાતી થઈ. બધી સ્પર્ધાઓના ઉત્સાહી મનોરથી શ્રીમતી કુસુમબેન અરુજીસ, શ્રી બકુલાબેન પટેલ તેમજ શ્રી લાલજીભાઈ દાવડા પરિવાર તરફથી નવી સ્પર્ધાઓ અને નવા વિભાગો માટે ઉદાર હૃદયથી પુષ્ટિમાર્ગની નવી પેઢીને સંપ્રદાય પ્રત્યે રસ લેતી કરવાની ભાવનાથી દ્રવ્યસહાય પ્રાપ્ત થતી ગઈ. એટલું જ નહિ પણ દર વર્ષે સ્પર્ધા સ્થળે ઉપસ્થિત રહી તેઓ આનંદભેર આ સ્પર્ધાઓને માણતાં રહ્યાં અને પૂ. શ્રીઆચાર્યચરણોના આશીર્વાદ મેળવતા રહ્યાં છે.
 
ખૂબ આનંદની વાત છે કે વર્ષ ૨૦૦૯થી પૂ. શ્રીજીજીની આજ્ઞાથી અને આશીર્વાદથી પાંચમી સ્પર્ધાનું પણ આયોજન શરૂ થઈ ગયું છે. એ છે ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધા.

આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર સૌ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન.