Pushti Bhakti Prachar Yatra

પુષ્ટિભક્તિ પ્રચારયાત્રા (મોબાઈલ વાન)

વૈષ્ણવ પરિવારરજતજયંતી વર્ષમાં વૈષ્ણવસેવાના ઉમદા ધ્યેયથી પુષ્ટિભક્તિ પ્રચારયાત્રાનો મનોરથ શ્રી હરસાનીજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યો છે. આ મનોરથની પૂર્તિ માટે શ્રીમતી કુસુમબેન અરુજીસ અને શ્રી બકુલાબેન પટેલ તરફથી ટ્રસ્ટને એક મોબાઈલ વાન ભેટ મળેલ છે. આ વાન દ્વારા ગામેગામ પુષ્ટિભક્તિનો પ્રચાર કરવાના મનોરથ સ્વરૂપે પુસ્તકોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ સેવાનો ઉદ્દેશ વૈષ્ણવોને પુષ્ટિમાર્ગીય ઉત્તમ સાહિત્ય સસ્તા દરે પૂરું પાડવાનો છે. ગો. વા. શ્રી રમેશભાઈ પરીખ દ્વારા સરળ ભાષામાં પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોને સચોટ રીતે સમજાવતાં પુસ્તકો વૈષ્ણવોને ઘેર બેઠાં પ્રાપ્ત થઈ રહ્યાં છે. પુસ્તકોના વિતરણ ઉપરાંત વૈષ્ણવ પરિવારઅને બાલપુષ્ટિમાસિકોના લવાજમ સ્વીકારનું કાર્ય પણ આ સેવા અન્વયે થઈ રહ્યું છે.

મોબાઈલ વાન દ્વારા પ્રથમ પ્રવાસ સાબરકાંઠા જીલ્લાના મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા, બાયડ તથા તલોદ ગામોમાં યોજાયો. શ્રીમહાપ્રભુજીના ઉત્સવના દિવસોમાં ચંપારણ્ય તીર્થક્ષેત્રમાં પુસ્તક વિતરણનું કાર્ય થયું. ત્યારબાદ થોડા સમય માટે આ સેવા સ્થગિત થઈ. ડિસેમ્બર૦૮ થી ફરી પાછી આ સેવા શરૂ થઈ. તા. ૯ થી ૧૧ ડિસેમ્બરના ત્રણ દિવસ માટે અમદાવાદમાં પૂ. ગો. ૧૦૮ શ્રીયદુનાથજી મહોદયશ્રીના શ્રીનાથજી ચરિત્રામૃત રસપાનકાર્યક્રમ દરમ્યાન વ્રજધામખાતે આ વાન દ્વારા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું. પૂ. મહારાજશ્રી તરફથી આ કાર્ય માટે આજ્ઞા અને આશીર્વાદ મળ્યા. વૈષ્ણવોએ પુસ્તકો ખરીદવામાં ઘણો રસ દાખવ્યો.

ગાંધીનગર ખાતે શ્રીગુસાંઈજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પૂ. ગો. ૧૦૮ શ્રી ઈન્દિરાબેટીજી મહોદયાના શ્રીમદ્ ભાગવત કથામૃત રસપાન કાર્યક્રમ દરમ્યાન આપશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી આ મોબાઈલ વાન દ્વારા પુસ્તકોના વિતરણનું કાર્ય થયું. અહીં પણ વૈષ્ણવોએ આ સેવાનો ખૂબ લાભ લીધો.

અમદાવાદ ખાતે યોજાયેલ અષ્ટોત્તરસહસ્ત્ર (૧૦૦૮) શ્રીમદ્ ભાગવત પારાયણ અને શ્રીનટવરલાલશ્યામલાલ પ્રભુના વિવિધ મનોરથના કાર્યક્રમમાં પૂ. ગો. ૧૦૮ શ્રી તિલકબાવાશ્રીની આજ્ઞાથી પુસ્તક વિતરણનું કાર્ય થયું.

તા. ૮-૧-૦૯ થી ૧૧-૧-૦૯ સુધી વડોદરામાં પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા સમાયોજિત વિરાટ માનવ કલ્યાણ મહોત્સવ દરમ્યાન અકોટા સ્ટેડિયમ ઉપર વડોદરામાં આપશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી હરસાનીજી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના વિતરણની અને લવાજમ સ્વીકારની સેવા થઈ.

તા. ૧૮-૧-૦૯ ના રોજ નરોડા મુકામે શ્રીમહાપ્રભુજીનાં બેઠકજીમાં અન્નકૂટ મહોત્સવ પ્રસંગે પૂ. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી આ સેવા અપાઈ. બેઠકજીમાં શ્રી રાજુભાઈ રાયચુરા અને તેમના પરિવારનો ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો.

ફેબ્રુઆરી માસમાં ભાવનગર મુકામે આયોજિત પૂ. પા. ગો. ૧૦૮ શ્રીયદુનાથજી મહોદયશ્રીના શ્રીસર્વોત્તમ રસપાન કાર્યક્રમ દરમ્યાન મોબાઈલ વાન દ્વારા તા. ૮ થી ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન પુસ્તક વિતરણ થયું. મનોરથી શ્રીમતી કુસુમબેન શેઠ તરફથી ખૂબ ભાવપૂર્વકનો સહકાર પ્રાપ્ત થયો. સુરેન્દ્રનગર મુકામે આયોજિત વિરાટ વૈદિક સોમયજ્ઞ પ્રસંગે તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન આ આયોજન થયું. મનોરથના આયોજકો અને શ્રી પરસોત્તમદાસ મોહનલાલ વગેરે વૈષ્ણવોનો ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો.

દરેક પ્રવાસ દરમ્યાન મોબાઈલ વાનની આ સેવાને વૈષ્ણવો તરફથી અને કાર્યક્રમના આયોજકો તરફથી ખૂબ ઉમળકાભર્યો સહકાર પ્રાપ્ત થયો. પૂ. પા. ગો. આચાર્યવર્યો તરફથી કૃપાપૂર્ણ રીતે આજ્ઞા અને આશીર્વાદ પ્રાપ્ત થયા. વૈષ્ણવોએ પુસ્તકોની ખરીદીમાં ખૂબ ઉત્સાહ દર્શાવ્યો. દરેક ગામના વૈષ્ણવ પરિવારના પ્રતિનિધિ અને અન્ય વૈષ્ણવો તરફથી આ પ્રચારયાત્રાની સેવાને સુંદર પ્રતિભાવ અને સહકાર મળ્યો. આ બધાંને કારણે આ સેવા માટે અમારો ઉત્સાહ પણ વધ્યો છે.

જે ગામ કે શહેરમાં ઉત્સવોના આયોજન સમયે આ પ્રચારયાત્રાની સેવાને આમંત્રણ મળશે ત્યાં આ મોબાઈલવાન મોકલવામાં આવશે.

સમસ્ત વૈષ્ણવ સમાજ તરફથી અને ઉત્સવોના મનોરથોના આયોજકશ્રીઓ તરફથી આ સેવાને મળેલ ઉષ્માભર્યાપ્રેમભર્યા સહકાર માટે સૌનો આભાર.