શ્રી બેઠકજી જીર્ણોદ્ધાર

આધ્યાત્મિક સ્થળોનું  - બેઠજીઓનું નવનિર્માણ

બેઠકજી નવનિર્માણ અને જીર્ણોદ્ધાર પ્રોજેક્ટ

 

ગો.વા. શ્રી રમેશભાઈ પરીખે એક સ્વપ્ન સેવેલું કે ભારતભરની શ્રીમહાપ્રભુજીની અને શ્રીગુસાંઈજીની બેઠકજીઓમાંથી જેનાં ભવનો જીર્ણ અવસ્થામાં હોય તેને એક પછી એક એવી સુંદર બનાવવી કે જેથી શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઈજીનું સુખ સચવાય અને વૈષ્ણવોને સેવામાં આનંદ આવે.

તેમના આ સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પહેલું કદમ સિદ્ધપુરનાં શ્રીમહાપ્રભુજીનાં બેઠકજીનું નવનિર્માણ હતું. બેઠકજીનો સંપૂર્ણ કાયાકલ્પ થાય તે રીતે, વૈષ્ણવ સૃષ્ટિની તનમનધનની સેવાથી રૂા. બાવન લાખ કરતાં પણ વધુ ખર્ચે તેનું નવનિર્માણ થયું.

આ પરંપરાને આગળ ધપાવવાની યોજનાના ભાગરૂપે સૌરાષ્ટ્રની બેઠકજીઓનાં ભવનોના નવનિર્માણ માટે સર્વે કરવા માટે તેઓ દ્વારિકા ગયા. ત્રણ દિવસ સુધી જામનગર, જામખંભાળિયા, પિંડતારક, બરડિયા, દ્વારિકા, મૂળગોમતા વગેરે બેઠકજીઓમાં દર્શનઝારીચરણસ્પર્શ સેવા તથા સ્થાનિક વૈષ્ણવો સાથે સત્સંગ કાર્યક્રમ કરતાં કરતાં દરેક બેઠકજીઓનો સર્વે કરી, તેમની સાથે ગયેલ શ્રી જયેન્દ્રભાઈ સોની દ્વારા કાચા નકશા તૈયાર કરાવી, બેઠકજીની હાલની સ્થિતિ, જરૂરિયાતો વગેરેની જાત માહિતી મેળવી શ્રીવલ્લભશ્રીવિઠ્ઠલની અને વૈષ્ણવોની વધુમાં વધુ પ્રસન્નતા કેમ થાય તેના સતત ચિંતનમાં રહી આ કાર્ય કરતાં કરતાં અચાનક તા.૧૮ જાન્યુઆરીની રાત્રે હૃદયરોગનો હુમલો  થતાં ૧૨૩૦ કલાકે આ ભૂતલનો ત્યાગ કરી ગોલોકગમન કર્યું.

શ્રી રમેશભાઈના બેઠકજી નવનિર્માણના સ્વપ્નને પૂર્ણ કરવા માટે શ્રીહરસાનીજી ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીગણે મનોરથ કર્યો. ભૂકંપગ્રસ્ત થયેલાં સૌરાષ્ટ્રનાં ગોપીતળાવનાં, મૂળગોમતાનાં અને બેટદ્વારકાનાં બેઠકજીઓનું નવનિર્માણ કાર્ય એક સાથે શરૂ થયું. પૂ. ગો. ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહોદયશ્રીનાં વરદ હસ્તે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત ત્રણે બેઠકજીનાં એક સાથે થયાં. આપશ્રીના આશીર્વાદ લઈ કાર્ય શરૂ કર્યું. મુંબઈના શ્રી જયેન્દ્રભાઈ સોનીએ બેઠકજીનાં નવનિર્માણમાં આર્કિટેક્ટએન્જીનીયર તરીકે તનમનધનથી સેવા આપી. કાર્યમાં ડગલે પગલે શ્રીવલ્લભની કૃપાનો અહેસાસ થતો ગયો. ત્રણે બેઠકજીના નવાં સુંદર ભવનો તૈયાર થયાં. દેશવિદેશના વૈષ્ણવોએ શ્રીવલ્લભ પ્રત્યેની હૃદયની પૂર્ણ ભાવનાથી યથાશક્તિ રકમ મોકલી. કોઈપણ પ્રકારની તકતી લગાવવાની શરત વગર રકમ મોકલી. શ્રીવલ્લભના સુખ માટે મોકલી. શ્રીવલ્લભનું છે, શ્રીવલ્લભે આપ્યું છે અને શ્રીવલ્લભ માટે આપવાનું છે એ ભાવનાથી મોકલી. વિશ્વભરના વૈષ્ણવોની ભાવનાને અનુરૂપ સુંદર, વિશાળ, આરસમઢ્યા ભવનો તૈયાર થતાં ગોપીતળાવનાં બેઠકજી અને મૂળગોમતાનાં બેઠકજીમાં કાંકરોલી નરેશ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી અને કાંકરોલી યુવરાજ પૂ. પા. ગો. ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહોદયના હસ્તે પાટોત્સવ મનાવવામાં આવ્યો. બેટદ્વારકામાં પૂ. પા. ગો. તિલકાયત શ્રી રાકેશકુમારજી (ઈન્દ્રદમનજી) મહારાજશ્રી, નાથદ્વારાના વરદ હસ્તે શ્રીવલ્લભનો પાટોત્સવ મનાવવામાં આવ્યો.

ત્યારબાદ વ્રજમાં શ્રીમદ્ ગોકુલમાં શૈયામંદિરના બેઠકજીનાં ભવનનું નવનિર્માણ થયું. ચંદ્રસરોવરનાં બેઠકજીનું નવનિર્માણ થયું.

ખીમનોરના શ્રીહરિરાય મહાપ્રભુનાં બેઠકજીનું નવનિર્માણ કાર્યમાં પ્રભુકૃપાથી સહયોગ થયો. 

શ્રીહરસાનીજી ટ્રસ્ટને મળેલી આ સેવા માટે શ્રીવલ્લભની કૃપા જ કારણભૂત છે. શ્રીવલ્લભ આવી સેવા હરહંમેશ કરાવતા રહે એ જ સાનુનય દંડવત પ્રણામ સાથે વિનંતી.